રાજકોટમાં બ્યુટીપાર્લર સંચાલિકાની ઘાતકી હત્યા

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર બાપા સીતારામ સોસાયટીમાં રહેતા બ્યુટીપાર્લર સંચાલિકાની તેના જ ઘરમાં ઘાતકી હત્યા નિપજાવવામાં આવી. મૃતક ગીતાબેન તેના પતિ અને પુત્રથી અલગ એકલા જ રહેતા હતા. આજે સવારે જ્યારે તેના પુત્રએ ઘરે આવીને તપાસ કરી તો માતાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી. કોઈ પરિચિતે જ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. પોલીસે પરિવાર સહિતના પરિચિતોની પૂછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં હત્યાનો આ બીજો બનાવ છે.

55 વર્ષીય ગીતાબેન કિશોરભાઈ વાજા પોતાના ઘરે એકલા જ રહેતા અને ઘર નજીક જ બ્યુટી પાર્લર ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરતાં. આજે સવારે 9 વાગ્યા આસપાસ તેમનો પુત્ર આશિષ વાજા માતાના ઘરે આવ્યો. આ સમયે તેણે ઘરમાં પ્રવેશ કરતાં જ માતા લોહીલુહાણ અને બેભાન હાલતમાં જમીન પર પડેલા જોતા તુરંત જ 108ને જાણ કરી.108ની ટીમ સ્થળ પર પહોંચી મહિલાને તપાસી મૃત જાહેર કર્યા.

મૃતક મહિલા પતિ અને પુત્રથી અલગ રહેતા
​બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો. પ્રાથમિક તપાસમાં મૃતક ગીતાબેન પોતાના પતિ કિશોરભાઈ અને પુત્ર આશિષ બંને અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેમનો અન્ય એક પુત્ર જીતુ અમદાવાદ રહેતો હોવાનું સામે આવ્યું છે. ગીતાબેન અહીં એકલા જ રહેતા હોવાથી તેમનો પતિ અને પુત્ર ક્યારેક ક્યારેક ખબરઅંતર પૂછવા આવતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *