રાજકોટ શહેરમાં દિવસને દિવસે ડેન્ગ્યુનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં મનપાનાં ચોપડે પણ ડેન્ગ્યુનાં 200 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ ડેન્ગ્યુનાં કારણે બે વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બોટાદ રહેતા 21 વર્ષીય યુવક તેમજ રાજકોટની 10 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ મામલે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 21 વર્ષીય યુવક મૂળ બોટાદ રહેતો હતો. જ્યારે અન્ય 10 વર્ષીય બાળકીનાં રિપોર્ટમાં ટાઇફોઇડ તાવની આશંકા હોવાનું સામે આવ્યું છે. છતાં ડેન્ગ્યુએ હાલ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું હોવાથી લોકો સાવચેતી રાખે તે જરૂરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ બોટાદ અને હાલમાં આજીડેમ ચોકડી પાસે, શ્રીરામ પાર્ક-3માં રહેતા 21 વર્ષીય અમન લલીતભાઇ વ્યાસ નામના યુવકનું ડેન્ગ્યુથી મોત થયું છે. માત્ર 21 વર્ષના પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે બીજો કિસ્સો વિજય પ્લોટના લોધા પરિવારમાં બન્યો હતો. ગઇકાલે વિજય પ્લોટ-15માં રહેતી 10 વર્ષની નિરાલી જરીયાને પણ શંકાસ્પદ ડેન્ગ્યુને લઈ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ જનાના હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જોકે, આજે વહેલી સવારે તેણે દમ તોડી દીધો હતો. 10 વર્ષની માસુમ પુત્રીનું અકાળે મોત થતા પરિવારજનોમાં ઘેરો શોક છવાયો છે. ભગત હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ પરિવાર દ્વારા લગાવાયો છે.