કસ્ટોડીયલ ડેથ કેસમાં સુપ્રીમના આદેશ બાદ પોલીસ સામે હત્યાનો ગુનો

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ગૌમાંસના કેસમાં ઝડપાયેલા આરોપીનું મોત થયા બાદ પરિવારે પોલીસના માર અને દવાનો ઓવરડોઝ આપવાથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ ગયા બાદ કોર્ટે આદેશ કરતા જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે હત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સુપ્રીમના આદેશ બાદ પોલીસ અધિકારી-કર્મચારી સામે ગુનો નોંધાયો વેજલપુર પોલીસ સ્ટેશનમાં બનેલા કસ્ટોડિયલ ટોર્ચર અને કથિત કસ્ટોડિયલ ડેથના સંવેદનશીલ કેસમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ હત્યા અને દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.પોલીસ કસ્ટડીમાં જ મૃતકને ક્રૂરતાપૂર્વક માર મારીને બળજબરીથી દવાઓનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે ગત મે માસમાં ગેરકાયદે પશુ કતલનો ગુનો નોંધ્યો હતો. રેડ દરમિયાન પીએસઆઇ અને બે કોન્સ્ટેબલે ત્રણેક લોકોને પોલીસની ગાડીના બોનેટ સાથે બાંધીને લાકડીઓના ફટકા માર્યા હતા. જહીરુદ્દીન શેખના પુત્રએ તે અંગેનો વિડીયો મોબાઇલમાં કેદ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાં વેજલપુર પોલીસની બદનામી થઇ હતી.

અગાઉ વેજલપુર પોલીસના અધિકારી સામે કરેલી ફરિયાદો અને આ વીડિયોનો બદલો લેવાના આશયથી પોલીસે પશુ કતલના ગુનામાં જહીરુદ્દીન શેખને તા.16 મેએ ઝડપી પાડી ગેરકાયદે કસ્ટડીમાં રાખ્યા હતા. ગત તા.18 મે એ વિધિવત ધરપકડ કરવા મામલે જહીરૂદ્દીન શેખના પરિવારને ધરપકડ મેમો કે કારણ પણ પોલીસે આપ્યા નહોતા.જહીરૂદ્દીન શેખને સર્વેલન્સ રૂમમાં રાખ્યા ત્યારે મળવા આવેલી પત્નીને પોલીસ કર્મીઓએ ગાળો ભાંડીને કાઢી મૂકી હોવાનો પણ આરોપ છે.

રાત્રે ફરી જહીરૂદ્દીન શેખના પત્ની આવ્યા ત્યારે પણ કોન્સ્ટેબલ દોડધામ કરતા હતા અને જહીરૂદ્દીન વ્યથિત હાલતમાં સર્વેલન્સ રૂમમાં દેખાયા હતા. જેથી જહીરૂદ્દીનના પત્નીને પોલીસે ફરી કાઢી મૂક્યા હતા. આ દરમિયાનમાં જહીરૂદ્દીન શેખની તબિયત લથડી હોવાથી તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જહીરૂદ્દીન શેખનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *