રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજે 4 ઓગસ્ટે એક સાથે વધુ 32 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે.
જેમાં પ્રથમ યાદી જાહેર કરી 49 કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી અને તેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી વધુ એક બદલીનો લીથો તૈયાર કરી 88 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ 4 લીથા જાહેર કરવામાં આવ્યા છે. તેમાં કુલ 137 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલી કર્મીની બદલી કરવામાં આવી હતી.
હજુ પણ પોલીસ કર્મીઓની બદલીનો લીથો આવી શકે છે આ પછી આજે 4 ઓગ્સ્ટ 2026ના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી છે. આજે 32 પૈકી 12 પોલીસ કર્મી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા જેમને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જયારે બાકીના 10 કર્મીઓની આંતરિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે અને 10 પોલીસ કર્મીને હેડ ક્વાર્ટરમાંથી પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ 50થી વધુ પોલીસ કર્મીઓની બદલીનો લીથો આવતા નજીકના દિવસોમાં બદલી સાથે જાહેર કરવામાં આવશે જેમાં મોટાભાગના ટ્રાફિક શાખામાં મુકાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે.