દિવાળીનાં તહેવારોને લઈ ફૂડ વિભાગની તપાસ

આગામી દિવાળીનાં તહેવારોને લઈને રાજકોટ મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે. આ તહેવારોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે ડ્રાયફ્રુટ, મુખવાસ, ટુટીફૂટી, અને પેંડા સહિત શંકાસ્પદ મીઠાઈનાં નમુનાઓ લેવામાં આવ્યા છે. જોકે સામાન્ય રીતે આવા નમૂનાઓનો રિપોર્ટ આવવામાં બે-ત્રણ મહિના જેટલો સમય લાગતો હોય છે. ત્યારે દિવાળીનાં તહેવારમાં હજારો લોકો આવી વસ્તુઓ આરોગી લેશે પછી તેનો રિપોર્ટ આવશે તે નિશ્ચિત છે. આ ચેકિંગ દરમિયાન કુલ 27 પેઢીઓની તપાસ કરી 18 Kg અખાદ્ય અને વાસી જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ 7 પેઢીઓને સ્ટોરેજ અને લાઇસન્સ તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી ₹7,500નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

પેડક રોડ પરના એપેક્ષ ટ્રેડર્સમાંથી અંજીર અને ડ્રાય ફ્રૂટ્સ, કુવાડવા રોડ પરની રઘુવીર ટ્રેડીંગમાંથી મુખવાસ તથા ગોકુલ એજન્સીમાંથી ટૂટીફૂટીના નમૂના લેવાયા હતા. પરાબજાર સ્થિત સાગર ફ્રુટ્સમાંથી કાજુ ફાડા અને કાળી દ્રાક્ષ, સોરઠીયા વાડી કોર્નરના અશોકવિજય ડેરીફાર્મમાંથી પેંડા અને મલાઈકટ, ભગવતી ઇન્ટરનેશનલમાંથી કેસ્યુ અને કિસમિસ તેમજ સરદાર નગરના હિરાર્થ નમકીન એન્ડ ડ્રાયફ્રુટમાંથી ડ્રાયફ્રુટ બોલ અને કુકીઝના નમૂના લેવામાં આવ્યા હતા. કોટેચા નગરના શ્રીરામ શીંગ એન્ડ નમકીનમાંથી બ્લેક કિસમિસ અને ગૂલકંદના નમૂના લેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *