રાજકોટના યુવક સાથે લગ્નના નામે લાખો રૂપિયાની ઠગાઈ, બોગસ દસ્તાવેજો બનાવી લગ્ન કર્યા અને બાદમાં રફુચક્કર

રાજકોટમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરાવવાના બહાને ઠગ ટોળકી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ વડોદરાની યુવતી સાથે બોગસ દસ્તાવેજો અને સ્ટેમ્પ પેપર પર લગ્ન કરાવી બે યુવકો પાસેથી 6.50 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કર્યાનો પર્દાફાશ થયો છે. આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

વડોદરામાં યુવતી સાથે મુલાકાત કરવામાં આવી
રાજકોટના જામનગર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને ફર્નિચરનો વેપાર કરતો ચુવાન લગ્ન માટે યુવતીની શોધમાં હતો. આ દરમિયાન તેમના પરિચિતોએ તેમનો સંપર્ક કરી વડોદરાની મેઘનાબેન પ્રજાપતિ નામની યુવતીના ફોટા મોબાઈલમાં બતાવ્યા હતા. યુવતી પસંદ પડતાં આરોપીઓએ તેમને વડોદરા બોલાવ્યા હતા અને યુવતી તથા તેના સગા હોવાનો દાવો કરનાર ઈસમો સાથે મુલાકાત કરાવી હતી.

આરોપીઓ દ્વારા વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં વકીલ અને નોટરીની ઓફિસે લઈ જઈને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બોગસ લગ્નનું સોગંદનામું તૈયાર કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ લગ્ન તથા અન્ય બહાના હેઠળ ફરિયાદી પાસેથી રૂ.3,30,000 રોકડા પડાવી લીધા હતા અને ત્યારબાદ યુવક યુવતીને લઈને રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો.

પરિવારમાં મૃત્યુ થયાનું કહી યુવતી વડોદરા પરત ફરી, ફોન બંધ
થોડા દિવસો બાદ યુવતીના પરિવારમાં મૃત્યુ થયાનું બહાનું કાઢીને તે વડોદરા પરત ગઈ હતી અને ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. તપાસ કરતાં ખબર પડી કે આખી ટોળકીએ ભેગા મળીને છેતરપિંડી આચરી છે. એટલું જ નહીં, આ જ ટોળકીએ સોસાયટીમાં રહેતા અન્ય એક યુવક સાથે પણ આજ પ્રકારે અન્ય યુવતી સાથે ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *