રાજકોટની ઉત્સવપ્રિય જનતા સલામત રીતે દીવાળી પર્વ ઉજવી શકે અને કોઈપણ અનિચ્છનીય બનાવથી સુરક્ષિત રહી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ અને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. દીવાળીના તહેવારોમાં ફટાકડા ફોડતી વખતે કે અન્ય કારણોસર આગ લાગવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દીવાળીના આગલા દિવસથી લઈને બેસતા વર્ષની સવાર સુધી સમગ્ર શહેરમાં કાયમી ફાયર સ્ટેશનો ઉપરાંત વધારાના 8 સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાશે. જેમાં 160 જેટલા જવાનો 24 કલાક તૈનાત રહેશે. આ માટે ફાયર વિભાગના કર્મચારીઓની રજાઓ રદ્દ કરાઈ છે.
રાજકોટમાં દીવાળીના પર્વ દરમિયાન કચરાથી માંડીને રહેણાંક મકાનો, મોટી ઇમારતો અને દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. સળગતું રોકેટ કે અન્ય કોઈ ફટાકડાની નાની એવી ચિનગારી પણ ક્યારેક મોટી દુર્ઘટના સર્જી શકે છે. આ પ્રકારની સંભવિત દુર્ઘટનાઓ સમયે કોઈપણ સ્થળે તાત્કાલિક ધોરણે ઝડપથી પહોંચી શકાય તે માટે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી નાગરિકોને ત્વરિત આપત્તિ વ્યવસ્થાપનનો લાભ મળશે અને કોઈ આપત્તિ સર્જાય તો મોટું નુકસાન અટકાવી શકાશે.
મનપાનાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ કે જુણેજાએ જણાવ્યું હતું કે, લોકોને ઝડપી સેવા મળે તે માટે શહેરના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારોમાં હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરવામાં આવનાર છે. જેમાં મુખ્ય બજારને કવર્ડ કરી શકાય તે માટે ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી બજાર સુધી ઝડપથી પહોંચી શકાય એ માટે સોરઠિયા વાડી સર્કલ પર, સંતકબીર રોડ પર, પંચાયત ચોકમાં, ફટાકડા બજાર સદર એટલે કે ફૂલછાબ ચોક ખાતે, નાના મવા ચોકડી, રેસકોર્સ રિંગરોડ તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવશે.