લોધીકાના રાવકીમાં સરકારી જમીન પર કમ્પાઉન્ડ વોલ અને કેબિનનું બનાવનારાઓને 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા આદેશ

લોધીકા તાલુકાના રાવકી ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ અને કેબિન ખડકીને કબજો જમાવનારા ત્રણ આસામીઓને માત્ર રૂ. 8,045નો દંડ ફટકારવામાં આવ્યો છે. નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન રાવકી ગામના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 328ની આશરે 240 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે દબાણ હોવાનું સામે આવ્યું હતું. આ દબાણ રાજકોટના આંબેડકર નગર ખાતે રહેતા સુરેશ ડાંગર, રમેશ ડાંગર અને સુધીર રાખસીયા દ્વારા કમ્પાઉન્ડ વોલ, ઝાંપો અને નાની કેબિન બનાવીને કરવામાં આવ્યું હતું, જે અંગે મામલતદાર સમક્ષ કલમ-61 અને 202 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન સામાવાળાઓને પક્ષ રજૂ કરવા તંત્ર તરફથી 3 વખત સમય આપવામાં આવ્યો હોવા છતાં હાજર ન રહેતા મામલતદારે ઉપલબ્ધ દસ્તાવેજો અને પંચરોજકામના આધારે અનધિકૃત દબાણ સાબિત માની કેસનો આખરી નિકાલ કર્યો હતો. જેમાં જંત્રી દર (ચો.મી. રૂ.1,676) મુજબ 2 વર્ષની કિંમત રૂ. 8,04,480 ના 1% લેખે ત્રણેય દબાણકારોને સંયુક્ત રીતે રૂ. 8,045નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ તમામ દબાણકારોને 7 દિવસમાં આ સરકારી જમીન પરથી દબાણ ખુલ્લું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટ કલેક્ટર કચેરીમાં આવતીકાલે ફરીયાદ સંકલન અને લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠક યોજાશે
રાજકોટ જીલ્લા કલેકટર કચેરીએ આવતીકાલે ફરીયાદ સંકલન અને લેન્ડગ્રેબીંગ કમીટીની ખાસ બેઠક કલેકટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ફરીયાદ સંકલન સમીતીની બેઠકમાં જીલ્લાના મહત્વના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. જયારે લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠકમાં 30 કેસોની સુનાવણી કરવામાં આવશે. સવારના સેશનમાં જીલ્લા ફરીયાદ સંકલન સમીતીની બેઠક ધારાસભ્યો, સાંસદોની ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં રોડ, રસ્તા, પાણી, ઘાસચારા સહિતના પ્રશ્નો તેમજ વિકાસ કામો અંગેના નિર્ણયો લેવામાં આવશે. જયારે સાંજના સેશનમાં યોજાનાર લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠકમાં 30 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. જે પૈકી 7થી 8 કેસોના અરજદારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *