રાજકોટમાં જૂનાગઢના પરિણીત પુરુષ સાથે લિવ ઈનમાં રહેતી 23 વર્ષીય યુવતીનો ફ્લેટમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. મૃતક નંદની બોસમીયા MR તરીકે નોકરી કરી હતી. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં તેને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી પણ કરી હતી પરંતુ, હાર થઈ હતી. નંદની સાથે જે અસલમ સમા નામનો યુવક મૈત્રી કરાર કરી રહેતો હતો તેની સામે મૃતકની બહેન દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના ફ્લેટમાંથી ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો મૂળ જેતપુર નવાગઢ અને હાલ રાજકોટના ગોંડલ ચોકડી પાસે પરિન ફર્નિચર નજીક આગમન રેસીડેન્સી ફ્લેટમાં રહેતી નંદનીબેન આનંદભાઈ બોસમીયા (ઉ.વ.23)નો સોમવારે સાંજે 7.30 વાગ્યાં આસપાસ તેના ફ્લેટના હોલમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરાતા ઇએમટી દ્વારા સ્થળ પર જ તેને તપાસી મૃત જાહેર કરવામાં આવી હતી. આ પછી બનાવની જાણ થતા જેતપુર નવાગઢથી તેમના પરિવારજનો દોડી આવ્યા હતા અને તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
મૃતકના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયાએ આક્ષેપ કર્યો હતો કે, હું મારાં પત્ની અને સંતાનો સાથે નવાગઢ જેતપુર રહું છું અને ટ્રેડિંગનું કામ કરું છું. મારે સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી નંદની MR તરીકે નોકરી કરતી હતી અને રાજકોટમાં પોતાના પુરુષ મિત્ર અસલમ હુસેન સમા સાથે લિવ ઈનમાં રહેતી હતી. જૂનાગઢમાં અસલમના મકાનમાં ભાડે રહેતી ત્યારે અસલમનો પરિચય થયો હતો. થોડા દિવસથી અસલમ ઝઘડો કરી નંદનીને મારકુટ કરતો હતો એટલે બે દિવસ પહેલા નજીકમાં સત્યનગરમાં રહેતા તેમના માનેલા ભાઈ રવિભાઈના ઘરે જતી રહી હતી. પછી પરત આગમન સિટી સી-વિંગ 501 નંબરના ફ્લેટમાં પોતાના ઘરે આવી ગઈ હતી.