અટિકા ફાટક પાસે પોલીસ પુત્રને છરી બતાવી લૂંટી લીધો

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ગેંગ સક્રિય બની ગુનાઓને અંજામ આપી રહી છે આવી જ વધુ એક ગેંગને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવાર(21 જૂન)ના રોજ રાત્રીના સમયે પોલીસ પુત્રને ગળેટુંપો આપી છરી બતાવી રૂ. 2000ની લૂંટ ચલાવવા કેસમાં પોલીસે ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડી રીક્ષા સહીત મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપીઓએ ત્રણ જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે, જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી પોલીસ દ્વારા ભોગબનનાર લોકોને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટના એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, રાજકોટ ભક્તિનગર પોલીસ ટીમે લૂંટના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પરેશ કરમશી સોરઠીયા (ઉ.વ.35), રાજેન્દ્ર ચંદુભાઈ અગ્રવાત (ઉ.વ.31) અને કૃણાલ રમેશ મુરબીયા (ઉ.વ.25)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મળી ગત રવિવાર(21 જૂન)ના રાત્રે 10 વાગ્યે અટિકા ફાટક નજીક યુવાનને છરી બતાવી રૂ. 2000ની લૂંટને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત અન્ય બે લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પરંતુ આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાથી ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *