પૂર્વ પત્ની સાથે પારિવારિક ઝઘડામાં ગેરકાયદે રિવોલ્વર રાખતા શખ્સની ધરપકડ

રાજકોટ શહેર SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પર ભીસ્તીવાડ સ્લમ ક્વાર્ટર નજીકથી યાકુબ મોટાણી નામના શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની રિવોલ્વર અને મોબાઈલ મળી કુલ રૂ. 35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પારિવારિક ઝઘડાના કારણે હથિયાર રાખતો આ આરોપી અગાઉ પણ ગેરકાયદે હથિયાર સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાઈ ચૂક્યો હતો, અને આ વખતે તેણે આ રિવોલ્વર ત્રણ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સપ્લાયર રાજાવટ ઉર્ફે રાજા ભૈયા પાસેથી ખરીદી હોવાની કબૂલાત આપતાં SOG ટીમે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હથિયાર આપનાર સપ્લાયરની શોધોખોળ શરૂ કરી છે.

પરપ્રાંતિય યુટ્યુબરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી રણુજા સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુટ્યુબર રાહુલ જીતેન્દ્રભાઈ વ્યાસે ઘરકંકાસના કારણે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઈડી ડિલીટ કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલા ઝઘડાથી માઠું લાગી આવતા યુવકે પોતાના ઘરે પંખા સાથે ચાદર બાંધી આ પગલું ભર્યું હતું. પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એક પુત્રીના પિતા અને પરિબારમાં સૌથી નાના એવા આ યુવકના આપઘાતના પ્રયાસ અંગે આજીડેમ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

પરિણીતાને નાની બહેન સાથે ઝઘડો થતાં જ્વલનશીલ પ્રવાહી પીધું રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલી પરમેશ્વર સોસાયટીમાં માવતરે આવેલી 20 વર્ષીય પરિણીતા મહેકબેન નવાઝભાઈ કુરેશીએ નાની બહેન સાથેના નજીવા ઝઘડાથી અકળાઈને જ્વલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉપલેટા સાસરી ધરાવતી આ યુવતીની તબિયત લથડતાં જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે યુવતીનું નિવેદન નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પૈસાની લેતી-દેતીમાં પિતા-પુત્રનો છરી વડે હુમલો રાજકોટમાં દોઢ વર્ષ પહેલાં લીધેલા રૂ.5 લાખની લેતીદેતી બાબતે વ્યાજખોરોએ ઘરમાં ઘૂસી યુવક પર છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના 42 વર્ષીય વિજયભાઈ રામદાસભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે બાબરાના કોટડાપીઠામાં રહેતા કેશુ માથાસુરીયા તથા તેના બે પુત્રો સંજય અને જાડો સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વિજયભાઈના જણાવ્યા મુજબ, નાણાં ચૂકવી દીધા હોવા છતાં ગત તા. 11 ઓગસ્ટ 2026ના રોજ ત્રણેય આરોપીઓએ ઘરે આવી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો, જે દરમિયાન સંજય નામના શખ્સે છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતાં વિજયભાઈએ છરી પકડી લેતાં તેમને હાથમાં ઈજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *