રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગમાં સામે આવેલા નાણાકીય કૌભાંડ, દસ્તાવેજોમાં ગેરરીતિ અને ફરજ દરમિયાન બિનઅધિકૃત ગેરહાજરીના મામલે મનપા તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 20 જૂનના રોજ ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપસિંહ દ્વારા પ્રાથમિક નોટિસના ખુલાસા અસંતોષકારક જણાતાં ત્રણ કર્મચારીઓ સામે ચાર્જશીટ (તહોમતનામું) ફટકારી તા. 14 ઓગસ્ટ 2026 સુધીમાં લેખિત જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.
નાણાકીય ઓથોરાઇઝ્ડ ડિજિટલ રાઇટ્સના દુરુપયોગ અંગે 20 મુદ્દાની ચાર્જશીટ ફટકારવામાં આવી છે. જેમાં આવાસ યોજનાના લાભાર્થી પાસેથી ₹30,000 રોકડા સ્વીકારી રસીદ આપ્યા બાદ, અસલ રસીદ જમા લીધા વિના જ સિસ્ટમમાંથી મૂળ રસીદ ડિલીટ કરી ગેરરીતિ આચરવાનો આરોપ છે.