રાજકોટમાં ફ્યૂઅલની અછતના લીધે 2 ફ્લાઇટ કેન્સલ

રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધીના સમર શેડ્યૂલ મુજબ હાલ દૈનિક 13 સહિત 14 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જોકે હાલ ફ્યુઅલની સમસ્યાને કારણે એર ઇન્ડિયા દ્વારા 1 જૂનથી 31 જુલાઈ સુધી સવારની 10 વાગ્યાની દિલ્હીની અને સાંજે 6 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ બંધ રાખવાનું જાહેર કરાયું છે. જોકે આ બંને ફ્લાઇટ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્ન્જારપ્પુ રામમોહન નાયડુ અને એર ઇન્ડિયાના ચેરમેન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ચેરમેન વી.પી.વૈષ્ણવે રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહી તે માટે સરકાર સમક્ષ અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ગણાય છે. વધુમાં MSME એકમોથી પથરાયેલ હોય અને આયાત-નિકાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યું હોવાથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમજ ઐતિહાસિક સ્થળોથી પથરાયેલ હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.

રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ માટે સતત વધતા જતા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અગાઉની રજુઆતના ફળ સ્વરૂપે એર ઈન્ડિયાની સવારની રાજકોટ-દિલ્હી માટેની અને સાંજની રાજકોટ-મુંબઈ માટેની ફલાઈટ શરૂ થઈ હતી. જેનાથી વેપાર-ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ પોતાની કામગીરી એક જ દિવસે પુર્ણ કરી પરત ફરતા હતા. પરંતુ હાલમાં આ બન્ને ફલાઈટો બંધ કરવાનું જાહેર થતા વેપાર-ઉદ્યોગકારો તેમજ મુસાફરોને ખુબ જ હાલાકી ભોગવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *