મનપાની વેરા વિભાગ શાખાએ મિલકતવેરા બાકીદારો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરી તે વખતે સીલિંગ અને જપ્તીથી બચવા સ્થળ ઉપર આસામીઓએ વેરાની રકમના ચેક આપેલ તે પૈકી 757 ચેક રિટર્ન થતા પ્રથમ તમામને નોટિસ આપતા 695 આસામીએ રોકડ રકમ ભરી દેતા બાકીના 62 આસામી સામે નેગોશીએબલ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું વેરા અધિકારી વત્સલ પટેલે જણાવ્યું હતું.
કુલ રૂ.4.56 કરોડના 757 ચેક રિટર્ન થયા હતા. તમામ આસામીઓને નિયમ મુજબ પ્રથમ નોટિસ આપતા 695 આસામીએ રૂ.4.18 કરોડનો રોકડમાં વેરો ભરી દીધો હતો અને બાકી રહેલા 62 આસામી સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવાઈ છે.
ચેક રિટર્નના અન્ય કારણો
મનપાના વેરા અધિકારી વત્સલ પટેલે જણાવ્યું કે, બેંક બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થાય તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યાં છે, પરંતુ અનેક કિસ્સામાં ચેક ભરતી વખતે છેકછાક અથવા રકમમાં ફેરફાર તેમજ અન્ય કારણોસર ચેક પરત આવે ત્યારે આસામીઓની ભૂલ ગણીને તેમને નવો ચેક અથવા રોકડા ભરવાની સૂચના અપાય છે.