શહેરમાં સાયબર માફિયાઓ હવે સામાન્ય વર્ગના લોકોને નિશાન બનાવી રહ્યા છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને એચડીએફસી બેંકમાં નાઈટ શિફ્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા 50 વર્ષીય પ્રૌઢને મુંબઈ પોલીસના નામે ‘ડિજિટલ એરેસ્ટ’ કરી ઠગ ટોળકીએ 9 લાખ રૂપિયા પડાવી લીધા છે.
ઠગોએ એટલી હદે ડર બતાવ્યો હતો કે, પ્રૌઢે પોતાની વર્ષોની મૂડી સમાન શેર ખોટ ખાઈને પણ વેચી નાખ્યા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ન્યૂ મહાવીરનગરમાં રહેતા પ્રકાશભાઈ ચૌહાણને ગત 1 ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેવાળા શખ્સે પોતાની ઓળખ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી સંદીપ તરીકે આપી હતી.
તેણે પ્રકાશભાઈને ડરાવતા કહ્યું કે, “તમારા નામે કેનેરા બેંકમાં ખાતું છે, જેનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. તમે જેટ એરવેઝના નરેશ ગોહિલ સાથે સંડોવાયેલા છો. ‘આ સાંભળી પ્રૌઢ ગભરાઈ ગયા હતા’.
ઠગોએ પ્રકાશભાઈને ‘રાજેશ સર’ નામના મોટા સાહેબ સાથે વીડિયોકોલ પર વાત કરાવી હતી અને ‘કોલાબા પોલીસ સ્ટેશન’ નામના ગ્રૂપમાં એડ કર્યા હતા. ગાર્ડ જ્યારે નોકરી પૂરી કરીને ઘરે આવે ત્યારે તુરંત ઠગો વીડિયોકોલ કરી હિલચાલની અપડેટ લેતા અને કોઈને વાત ન કરવા દબાણ કરતા.
ઠગોએ ધમકી આપી હતી કે,”જો પોલીસ કે પાડોશીને વાત કરી તો તમને અને તમારી 75 વર્ષીય માતાને મારી નાખીશું અને મકાન સીલ કરી દઈશું.’
જ્યારે ઠગોએ બચત વિશે પૂછ્યું ત્યારે પ્રકાશભાઈએ જણાવ્યું કે, તેમની પાસે 15 લાખના શેર છે. ઠગોએ આ શેર વેચવા દબાણ કર્યું. પ્રકાશભાઈએ કહ્યું કે, અત્યારે વેચવાથી ખોટ જશે, ત્યારે ઠગોએ સફેદ જૂઠ બોલતા કહ્યું કે, “તમારે જેટલી ખોટ જશે તેટલા પૈસા મોદી સબસિડી મારફતે પરત મળી જશે.’
વિશ્વાસમાં આવી પ્રૌઢે શેર વેચતા 6 લાખની ખોટ ગઈ અને 9 લાખ આવ્યા. જેમાંથી 8 લાખ ઠગોના ખાતામાં આરટીજીએસ કર્યા અને બાદમાં જામીનના નામે વધુ 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા.