સુલતાનપુર સહકારી મંડળીની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે જંગ

ગોંડલ તાલુકાની સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી 30 વર્ષ બાદ યોજાઈ રહી છે. 29 નવેમ્બરે ખેડૂત પરિવર્તન પેનલ અને સહકાર પેનલ વચ્ચે સીધી ટક્કર થશે. સુલતાનપુર સહિત નાના સખપર, મોટા સખપર, વિંજીવડ અને સાંજડીયાળી ગામના કુલ 1,901 મતદારો મતદાન કરશે.

સહકાર પેનલ તરફથી બાવાભાઈ વાઘાભાઈ સોલંકી સહિત બે બેઠકો બિનહરીફ થવાની સ્થિતિ છે. તેમાં એક મહિલા બેઠકનો પણ સમાવેશ થાય છે.ખેડૂત પરિવર્તન પેનલનું ચૂંટણી ચિહ્ન ‘બળદ’ છે. પેનલે ‘કોઈ રાજકારણ નહીં, ફક્ત સેવા’ના સૂત્ર સાથે ખેડૂતોના હિતના મુદ્દા રજૂ કર્યા છે. તેમાં ટેકાના ભાવે સરકારી ખરીદી માટે નોંધણી વિનામૂલ્યે કરાવવી, ખેડૂતોની ભાગીદારીથી નિર્ણયો લેવા અને સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો સમાવેશ થાય છે.

પેનલે માંગ મુજબ ખાતરનો જથ્થો રાખવા, દર છ મહિને બોર્ડમાં હિસાબ જાહેર કરવા, વર્ષમાં એક વખત મફત માટી પરીક્ષણ કરાવવા અને ખાતર ભરવા માટે મજૂરની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું છે. બહુમતી મળ્યે નીતિનભાઈ વલ્લભભાઈ ગોંડલીયાને પ્રમુખ બનાવવાની જાહેરાત કરાઈ છે.સહકાર પેનલનું ચૂંટણી ચિહ્ન ‘ટ્રેક્ટર’ છે. પેનલે કચરાભાઈ રણછોડભાઈ વૈષ્ણવને પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે. પેનલના જણાવ્યા મુજબ, ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટે સરકાર પાસે પોર્ટલની માંગ કરાઈ હતી, પરંતુ નિયમ મુજબ ગ્રામ પંચાયત સિવાયની સંસ્થાને પોર્ટલ આપવાની જોગવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *