રાજકોટમાં છેલ્લા ચાર દિવસ ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને રાજકોટ મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈ તેમજ નાયબ કમિશનરો અને જુદા-જુદા ઝોનના સિટી એન્જિનિયરો સહિત સમગ્ર ટીમ સતત ફિલ્ડમાં રહી હતી અને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી લોકો તરફથી મળેલ ફરિયાદોનો નિકાલ કરવા માટે અવિરત કામગીરી હાથ ધરી હતી. જેમાં 6,390 ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું, વોટર લોગિંગની 66 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તાર જેવા કે, નરસંગપરા, રૂખડીયા, ભવાનીનગર સહિતના વિસ્તારોમાંથી વધુ 176 નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તો ભારે વરસાદ તેમજ પવનને પગલે શહેરમાંથી કુલ 223 વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો હતો.