મનપાની 5 લાઇબ્રેરીમાં ગરમીમાં બફાતા વિદ્યાર્થીઓ

રાજકોટના કરણપરામાં સ્થિત પ્રભાદેવી લાઈબ્રેરીમાં અવારનવાર થતી વીજળી ગૂલની સમસ્યાથી 200 વિદ્યાર્થીઓ પરેશાન છે. ત્યારે અહીં ઇન્વર્ટર મૂકવામાં આવે, આગ ઝરતી ગરમી વચ્ચે AC નાખવામાં આવે તો લાઈબ્રેરીનો સમય વધારી રાત્રે 11 વાગ્યા સુધી કરવા માટે NSUI દ્વારા ગ્રંથપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવેલી છે. જેથી મનપાના ચીફ લાઇબ્રેરિયન દ્વારા સમય વધારવા માટે પ્રયાસો શરૂ કર્યા છે તો એસી નાખવા તેમજ ઇન્વેટર નાખવાની પ્રક્રિયા માટે કોર્પોરેશન સમક્ષ મંજૂરી માંગવામાં આવેલી છે. શહેરમાં મનપા સંચાલિત 7 લાઇબ્રેરી છે અને 2 મોબાઈલ લાઈબ્રેરી છે. જેમાંથી ચંદ્રેશ નગરમાં આવેલી ચાણક્ય લાઇબ્રેરી સેન્ટ્રલી એસી છે જ્યારે સાધુ વાસવાણી રોડ પરની લાયબ્રેરીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એસી છે. આ સિવાય ક્યાંય એર કંડીશન નથી.

લાઈબ્રેરીમાં વારંવાર વીજળી જતી રહેવાની સમસ્યા NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રભાદેવી લાઈબ્રેરીમાં વારંવાર વીજળી જતી રહેવાની (પાવર કટ) સમસ્યા છે. ડિજિટલ યુગમાં અને પરીક્ષાના સમયગાળા દરમિયાન વારંવાર લાઈટ જવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ સંપૂર્ણ ખોરવાઈ જાય છે. આથી અંધારપટ અને ગરમીથી બચવા માટે લાઈબ્રેરીમાં તાત્કાલિક ધોરણે મોટા પાવર બેકઅપવાળું ઈન્વર્ટર લગાવવામાં આવે તે અનિવાર્ય છે.

અસહ્ય ગરમીના કારણે એસી નાખવા માગ હાલમાં 45 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમીમાં લાઈબ્રેરીના પંખાઓ માત્ર ગરમ હવા ફેંકે છે. ગૂંગળામણ અને સખત લૂના કારણે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સિનિયર સિટીઝનો (વૃદ્ધો) માટે બેસવું પણ અશક્ય બન્યું છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) સંચાલિત અન્ય ‘ચાણક્ય લાઈબ્રેરી’ માં જો એર કંડિશનર (AC) ની આધુનિક સુવિધા આપવામાં આવતી હોય તો પ્રભાદેવી લાઈબ્રેરીના વાચકો સાથે આવો ઓરમાયો વ્યવહાર કેમ? વિદ્યાર્થીઓના રીડિંગ રૂમમાં તેમજ સિનિયર સિટીઝનોના બેસવાના સ્થળે સત્વરે એસી નાખવામાં આવે તેવી અમારી નમ્ર માંગ છે.

લાઈબ્રેરીનો સમય રાત્રિના 11 વાગ્યા સુધી વધારવા રજૂઆત હાલમાં ઉનાળાના બપોરના આકરા તડકામાં સાંજના 6 વાગ્યા સુધી જ વાંચવાની યોગ્ય અનુકૂળતા રહે છે. વળી આ લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ પોતાની આજીવિકા અને ફી ભરવા માટે પાર્ટ-ટાઈમ જોબ (નોકરી) કરે છે. તેઓ નોકરી પરથી સાંજે 6.30 થી 7 વાગ્યે છૂટે છે. જો લાઈબ્રેરી વહેલી બંધ થઈ જાય તો આ ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને વાંચવાનો સમય જ મળતો નથી. તેથી, આ બાબતને પ્રથમ અગ્રતા આપી, સહાનુભૂતિપૂર્વક વિચારીને લાઈબ્રેરીનો સમય રાત્રિના 11 વાગ્યા સુધીનો કરવામાં આવે.

ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી આ અમારી આખરી અરજી છે. જો આગામી દિવસોમાં આ વ્યાજબી માંગણીઓ સ્વીકારીને એસી, ઇન્વર્ટર અને સમય વધારવા બાબતે યોગ્ય અને સત્વરે વહીવટી મંજૂરી આપી કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો અમે તમામ વાચકો અને વિદ્યાર્થીઓ નાછૂટકે લાઈબ્રેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે, જેની તમામ કાયદાકીય અને વહીવટી જવાબદારી તંત્રની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *