રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. રવિવારે સાત શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું. અમદાવાદમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
આગામી 31 મે સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 25 થી 28 મે સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જ્યારે ત્યારબાદ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. આ વિસ્તારોમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને તેની ગતિ 25 થી 35 નોટ્સ સુધી પહોંચી શકે છે.
દેશમાં આજથી નવતપાની શરૂઆત થઈ ગઈ છે. એનો મતલબ છે કે આગામી 9 દિવસ વધુ ગરમી રહેશે. હીટવેવ અને તાપમાન પણ વધશે. તાપમાન 45°Cથી વધુ રહી શકે છે. મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2°C સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું. MP-UPના 8 શહેરોમાં ગરમીનો પારો 45°C પાર પહોંચી ગયો છે.