રાજકોટમાં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં દેવભૂમિ દ્વારકાના ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના નારણભાઈ કરંગીયા (58) તેમના વેવાઈ પક્ષના સગા રામશીભાઈ સાથે કારમાં આણંદ ફરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
રોડની સાઈડમાં કાર ઉતારવાના પ્રયાસમાં ટ્રકમાં ઘૂસી ગઈકાલે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ જ્યારે તેમની કાર રાજકોટ બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા એચપી પેટ્રોલ પંપ પાસે પહોંચી, ત્યારે અચાનક એક પશુ આડું ઉતરતા આગળ જઈ રહેલા વાહને બ્રેક મારી હતી. તે વાહન સાથેની ટક્કર બચાવવા ચાલક રામશીભાઈએ કાર રોડની સાઈડમાં લીધી હતી, પરંતુ કમનસીબે કાર ત્યાં ઉભેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી.
આ અકસ્માતમાં કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા નારણભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત નારણભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.