બહેનપણીના ઘરમાં ચોરી કરનાર મહિલાની ધરપકડ

રાજકોટ શહેરમાં મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. આજી ડેમ ચોક નજીક પીઠડ આઈ સોસાયટીમાં રહેતી પરિણીતાના ઘરે ચા પીવાના બહાને પહોંચેલી નાનપણની બહેનપણીએ મોકો જોઈ કબાટમાંથી ₹6.50 લાખના દાગીના ચોરી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા આજીડેમ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહિલાને ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ અન્ય બે બહેનપણીઓના ઘરે પણ હાથફેરો કર્યો હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે કુલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી ₹15.32 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

દૂધ લેવા જતાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો પોલીસ ફરિયાદ અનુસાર, પીઠડ આઈ સોસાયટીમાં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણના ઘરે ગત 17 ઓગસ્ટે તેમની નાનપણની બહેનપણી કાજલ દિપકભાઈ વાઘેલા (ઉં.વ. 29) આવી હતી. ભાવનાબેને તેને બેઠક રૂમમાં બેસાડી હતી. કાજલે ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરતાં ઘરમાં દૂધ ન હોવાથી ભાવનાબેન નજીકની દુકાને દૂધ લેવા ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવતાં કાજલે “હું કપડાં બદલાવું છું, થોડી વાર લાગશે” તેવો બહાનો બનાવ્યો હતો. જેથી ભાવનાબેન રસોડામાં ચા બનાવવા ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ કાજલ બહાર આવી, બંનેએ સાથે ચા પીધી અને ભાવનાબેનના પતિ ઘરે આવતાં કાજલ પોતાના ઘરે જવાનું કહી નીકળી ગઈ હતી.

પ્રસંગમાં પહેરવા માટે કબાટ ખોલતાં ચોરીનો પર્દાફાશ થયો ગત 30 ઓગસ્ટના રોજ ભાવનાબેનની ભત્રીજીની સગાઈનો પ્રસંગ હોવાથી તેમણે પહેરવા માટે સોનાનો હાર લેવા કબાટ ખોલ્યો હતો. જોકે, કબાટમાં સોનાનો હાર ગાયબ જણાતાં સમગ્ર ઘરમાં શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહોતો. દરમિયાન ભાવનાબેને અંગત તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે કાજલે આ અગાઉ કાથરોટા ગામે રહેતી તેમની અન્ય બહેનપણી વૈશાલી મકવાણાના ઘરેથી તેમજ અન્ય એક બહેનપણી મનીષા સારદીયાના ફઈના ઘરેથી પણ આવી જ રીતે સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આથી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે ભાવનાબેને આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *