બોલિવૂડના ‘હીરો નંબર 1’ ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ડિવોર્સની અફવાઓ અને તાજેતરના વિવાદો વચ્ચે ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ખુલાસો કર્યો છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા. ગોવિંદાના કહેવા મુજબ, તેમની માતાના નિધન બાદ સુનિતાએ તેમની પાસે પોતાના હિસાબે જીવન જીવવાની આઝાદી માગી હતી.
સુનિતા ભટકી ગઈ હતી કે કેમ તે અંગે સ્પષ્ટતા કરતા ગોવિંદાએ ઉમેર્યું કે, “તે ભટકી નહોતી ગઈ, પણ તેને પોતાની જિંદગી પોતાની શરતો પર જીવવી હતી. તે કઈ રીતે જીવવા માગતી હતી એ પૂછવાનો હક મને કે બીજા કોઈને નથી. મારી સાથે લગ્ન કરીને તે નાની ઉંમરે મારા ઘરે આવી હતી અને હું જેવું ઈચ્છતો હતો તેમ જ રહેતી હતી.
‘ફ્રીડમ ટુ ધ નેક્સ્ટ લેવલ અને ખાવા-પીવાનો શોખ’
સુનિતાને કેવા પ્રકારની ફ્રીડમ જોઈતી હતી તે અંગે વાત કરતા ગોવિંદાએ જણાવ્યું, “મમ્મીના ગયા પછી તેણે મને કહ્યું કે તેને ફ્રીડમ જોઈએ છે, અને તે પણ ‘ફ્રીડમ ટુ ધ નેક્સ્ટ લેવલ’. મેં કહ્યું કે સારું, તું જે રીતે જીવવા માંગો છો તે રીતે જીવી લે, મને કોઈ વાંધો નથી. દરેક મહિલાની અંદર આ ઈચ્છા હોય છે.”
વધુમાં કહ્યું, “હું એવું નહીં કહું કે મેં તેને ફ્રીડમ આપી. તેણે મારી પાસે આઝાદી માંગી તો મેં આપી દીધી. આટલા વર્ષો સુધી તે મારા ઘરે રહી, બાળકોને મોટા કર્યા, તેથી કદાચ તે ઘરમાં કંટાળી ગઈ હશે. તેને લાગતું હશે કે બહાર હું મારી રીતે રહીશ, ખાઈશ-પીઈશ. તેને ખાવા-પીવાનો ભારે શોખ છે અને એ મારા ઘરમાં શક્ય નહોતું.”