યાર્ડના વેપારી સાથે 1.63 કરોડની છેતરપિંડી

રાજકોટના બેડી માર્કેટ યાર્ડ સ્થિત ‘કામનાથ ટ્રેડીંગ’ પેઢીમાં છેલ્લા 16 વર્ષથી વહીવટ સંભાળતા અને રણછોડનગરમાં રહેતા જીગરભાઈ સુરેશભાઈ સોરઠીયા સાથે પ્લાસ્ટિકના રો-મટીરીયલ તથા સ્ક્રેપના ધંધામાં ભાગીદારીના નામે રૂ.1,63,29,300ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી છે. આ ગંભીર બનાવ અંગે ભોગ બનનાર વેપારીએ સુરતના પાલ વિસ્તારમાં ગોવર્ધન સ્કાયલાઈનમાં રહેતા અને ‘વેદાંત ઇક્કો પ્લાસ્ટ’ પેઢી સાથે સંકળાયેલા રાકેશ માંડોત સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાના સંબંધે સંપર્કમાં આવ્યા હતા ફરિયાદી જીગરભાઈ અને આરોપી રાકેશ માંડોત અગાઉ પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાના સબંધે સંપર્કમાં આવ્યા હતા. ઓગસ્ટ 2025 દરમિયાન આરોપી રાકેશે જીગરભાઈનો સંપર્ક કરી પોતાની ‘વેદાંત ઇક્કો પ્લાસ્ટ’ પેઢીમાં GST સંબંધિત નોટિસ આવી હોવાનું ખોટું બહાનુ રજૂ કર્યું હતું. ત્યારબાદ તેણે એવી લાલચ આપી હતી કે જ્યાં સુધી GSTનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી નવું રોકાણ ફરિયાદીની પેઢી કરશે અને મહેનત પોતે કરશે, જેમાં નફામાં 50% હિસ્સો રહેશે. આ પ્રસ્તાવ હેઠળ GSTથી બચવા તમામ નાણાકીય વ્યવહારો રાકેશ, તેની પત્ની રિંકલબેન જૈન તથા માતા વિમળાબેન જૈનના બેંક ખાતા દ્વારા કરવાનુ નક્કી થયું હતું. પેઢીના માલિકોની સંમતિ મેળવીને જીગરભાઈએ આરોપી ઉપર વિશ્વાસ મૂકીને નાણાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું.

વેપારીએ રૂ.2,29 કરોડ આપ્યા, શેરબજારમાં હારી ગયાનું બહાનું ધર્યું આરોપીના કહેવાથી 29 ઓગસ્ટ, 2025થી 17 એપ્રિલ, 2026 દરમિયાન જીગરભાઈએ આરોપીની માતા વિમળાબેનના ખાતામાં રૂ.1.37 કરોડથી વધુ, પત્ની રિંકલબેનના ખાતામાં રૂ.44.16 લાખથી વધુ તથા રાકેશ માંડોતના પોતાના ખાતામાં બેંક અને આંગડિયા મારફતે રૂ.47.20 લાખ મોકલી કુલ રૂ.2,29,21,300 ચૂકવ્યા હતા. જેની સામે આરોપીએ માત્ર રૂ.65,92,000નો જ માલ કે હિસાબ પૂરો પાડ્યો હતો. જયારે બાકી નીકળતી રૂ.1.63 કરોડથી વધુની રકમ અંગે ફરિયાદી દ્વારા ઉઘરાણી કરવામાં આવી ત્યારે રાકેશે આ નાણાં શેરબજારમાં હારી ગયાનું બહાનું ધરી ટૂંક સમયમાં નાણાં પરત આપવાની ખોટી ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *