ફૌજી બનવાનું સ્વપ્ન અધુરું રહ્યું, સર્જરીએ 3 વર્ષ સુધી કારકિર્દી પર બ્રેક માર્યો

હિન્દી અને તમિલ સિનેમા જગતમાં આર. માધવન આજે માત્ર એક સ્થાપિત એક્ટર જ નહીં, પરંતુ જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર પણ છે. 25 મેના રોજ તેને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયો છે

જમશેદપુરમાં 1 જૂન 1970ના રોજ એક મધ્યમવર્ગીય તમિલ પરિવારમાં જન્મેલા આર. માધવનનું જીવન આર્થિક અને શારીરિક સંઘર્ષો તથા કારકિર્દીના પડકારોથી ભરેલું રહ્યું છે. માધવન કોલેજના દિવસોમાં શ્રેષ્ઠ NCC કેડેટ હતો. સેનામાં ઓફિસર બનવાનું તેનું સપનું હતું, પરંતુ ઉંમર સંબંધિત નિયમોને કારણે તેને પરીક્ષામાં અયોગ્ય ઠેરવવામાં આવ્યો.

1993માં માધવન મુંબઈ આવ્યો, ત્યારે તેની પાસે પૈસા નહોતા. તે પબ્લિક સ્પીકિંગની કોચિંગ અને નાની-મોટી મોડેલિંગથી ગુજરાન ચલાવતો હતો. તમિલ ફિલ્મ “ઇરુવર” માટેના સ્ક્રીન ટેસ્ટમાં મણિરત્નમે તેને રિજેક્ટ કર્યો. ચોકલેટી છબીને કારણે તેને ગંભીર ભૂમિકાઓ માટે ઘણા રિજેક્શન સહન કરવા પડ્યા. માધવન જ્યારે કારકિર્દીના શિખર પર હતો, ત્યારે થ્રી ઇડિયટ્સના શૂટિંગ દરમિયાન તેના ઘૂંટણમાં ઈજા થઈ.

ડોકટરોની સલાહને અવગણીને, તે તમિલ ફિલ્મનું શૂટિંગ કરવા લાગ્યો અને ફરીથી તે જ ઘૂંટણમાં એટલી ગંભીર ઈજા થઈ કે તેને ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં બે સર્જરી કરાવવી પડી. આ કારકિર્દીનો સૌથી ખરાબ સમય હતો. 3 વર્ષ સુધી તે ફિલ્મોથી દૂર રહ્યો. પછી “રોકેટ્રી”ના શૂટિંગ દરમિયાન કોરોના આવી ગયો. માધવન જણાવે છે કે, ત્યારે ચાર વર્ષ સુધી તેની કોઈ કમાણી થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *