પુત્રને રમાડવા વારંવાર ઘરે આવતા સગાનું જ પરિણીતા પર દુષ્કર્મ

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી પરિણીતા સાથે તેના જ દૂરના સંબંધી દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યાનો શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મહિલાના ઘરે પહોંચી નાના બાળકને રમાડવાના બહાને અડપલાં શરૂ કર્યા હતા અને પરિણીતાએ પ્રતિકાર કરતાં પતિ તેમજ માસૂમ દીકરાને ‘જોઈ લઈશ’ તેવી ખુલ્લી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકના બહાને અડપલાં કરી ધમકી આપી કુકર્મ કર્યું ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી દલસુખ વઢવાણિયા પરિણીતાનો દૂરનો સંબંધી હોવાથી પરિચયનો ગેરલાભ ઉઠાવી અવારનવાર તેમના ઘરે આવતો-જતો હતો. ગત 18 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે આરોપી દીકરાને રમાડવાના બહાને ઘરમાં પ્રવેશ્યો હતો. એકલતાનો લાભ લઈ તેણે પરિણીતા સાથે અડપલાં શરૂ કર્યા હતા. પરિણીતાએ વિરોધ કરતાં ઉશ્કેરાઈને પતિ અને પુત્રને પતાવી દેવાની ધમકી આપી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને પણ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આખરે પરિવારને આપવીતી જણાવી પોલીસ ફરિયાદ કરી પ્રથમ વખત દુષ્કર્મ આચર્યા બાદ પણ આરોપી સતત બ્લેકમેઇલ કરીને પરિણીતાનું શારીરિક અને માનસિક શોષણ કરતો રહ્યો હતો. આરોપીના અવિરત ત્રાસ અને ધમકીઓથી માનસિક રીતે ભાંગી પડેલી પરિણીતાએ આખરે હિંમત દાખવી પોતાના પરિવારજનો સમક્ષ સમગ્ર આપવીતી વર્ણવી હતી. પરિવારે સાથ આપતાં પરિણીતાએ તાત્કાલિક યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દલસુખ વઢવાણિયા વિરુદ્ધ BNSની કલમ 64(2)(M) અને 351(2) હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *