રાજકોટના જાણીતા યાત્રાધામ વીરપુરમાં સોમવારે સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા હતા. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું. દિવસ દરમિયાન ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન હતા, પછી સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી.
સાંજે વરસાદે જોર પકડ્યું અને વીરપુર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. લાંબા સમય પછી વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાઈ ગયા અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. વરસાદના કારણે ગરમીથી પરેશાન લોકોને પણ રાહત મળી. વાદળોના ગડગડાટ સાથે વરસેલા વરસાદથી યાત્રાધામનું વાતાવરણ પણ ખુશનુમા બન્યું.
બીજી તરફ, વીરપુર પંથકના ખેડૂતો માટે પણ આ વરસાદ રાહતના સમાચાર લાવ્યો છે. વરસાદ ન હોવાથી ચિંતામાં રહેલા ખેડૂતોને આ વરસાદથી પાકને જરૂરી ભેજ મળવાની આશા જાગી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વરસાદી માહોલ સર્જાતા ખેતરોમાં પણ ચહલપહલ વધી. પાકને પાણીની જરૂરિયાત હતી ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. વીરપુર સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદના કારણે ખેડૂતોમાં આશાનું વાતાવરણ બન્યું છે.