તીનપત્તી રમતી સાત મહિલા સહિત અગિયાર વ્યક્તિઓ ઝડપાયા, રોકડ અને કાર સહિત 12.99 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ બાતમીના આધારે પાટણવાવ પોલીસ સ્ટેશન હેઠળના ધોરાજી તાલુકાના નાગલખડા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઉપલેટાના હાડફોડી ગામના સિરાજ નૂરમામદ સમા અને જાવીદભાઈ ગફારભાઈ સમા પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી, લાઈટ-પાણી અને સાધનોની વ્યવસ્થા આપી તીનપત્તીનો અખાડો ચલાવતા હોવાનું ખુલતા પાટણવાવ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, સ્થળ પરથી ૧૧ વ્યક્તિઓ ઝડપાયા છે, જ્યારે હાડફોડીનો જાવીદભાઈ ગફારભાઈ સમા નાસી ગયો છે.હાડફોડીના સિરાજ નૂરમામદ સમા, જૂનાગઢના ઇમરાન આમદભાઈ મંધરા, સિકંદરભાઈ હુસેનભાઈ પઠાણ, રાજકોટના ધર્મેશભાઈ મનુભાઈ ગોહેલ સહિત 7 મહિલાની ધરપકડ કરાઈ છે. સ્થળ પરથી રૂ. ૫,૬૮,૦૦૦ રોકડા, રૂ. ૬૧,૦૦૦ના ૫ મોબાઈલ, રૂ. ૬,૦૦,૦૦૦ની કાર અને ૫૨ ગંજીપના મળી કુલ રૂ. ૧૨,૨૯,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પ્રેસ નોટ અનુસાર, પકડાયેલા વ્યક્તિઓમાંથી સિરાજ સમા વિરુદ્ધ ઉપલેટામાં ૧ અને ઇમરાન મંધરા વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાનો ૧ ગુનો નોંધાયેલો છે.એક મહિલા વિરુદ્ધ જામનગર પંચ-બી, સીટી-એ, પંચ-એ ડિવિઝન અને સિક્કા પોલીસ સ્ટેશનમાં મળી કુલ ૪ ગુના નોંધાયેલા છે.

એક મહિલા વિરુદ્ધ જામનગર સીટી એ, બી, સી ડિવિઝન તથા રાજકોટ પ્રધ્યુમનનગરમાં મળી કુલ ૪ ગુના નોંધાયેલા છે. એક મહિલા વિરુદ્ધ ભાયાવદરમાં ૨ તથા ઉપલેટા, શેઠ વડાળા અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ૧-૧ મળી કુલ ૫ ગુના નોંધાયેલા છે. એક મહિલા વિરુદ્ધ પોરબંદરના કમલાબાગમાં ૨, બગવદરમાં ૧ અને ઉદ્યોગનગરમાં ૧ મળી કુલ ૪ ગુના તેમજ નાસી જનાર જાવીદભાઈ સમા વિરુદ્ધ ઉપલેટામાં ૧ ગુનો નોંધાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *