રાજકોટમાં આજથી ત્રણ વર્ષ પહેલાં (25 માર્ચ 2023ના રોજ) ગિરનાર ટોકીઝ પાસે આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) કચેરીના ચોથા માળેથી પડી જવાથી થયેલા જોઈન્ટ ડિરેક્ટર જવરીમલ બંસીલાલ બિશ્નોઈના મોત મામલે નવો વળાંક આવ્યો છે. આ ઘટના શરૂઆતમાં માત્ર અકસ્માતે મોત કે આત્મહત્યા લાગતી હતી પરંતુ, લાંબી લડત અને પરિવારની શંકાઓને આધારે મૃતકના પત્નીની ફરિયાદના આધારે રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્વારા અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
CBIની આખી રાત પૂછપરછ, ખાલી કાગળો પર સહી માટે દબાણ
મૃતકના પત્ની સુમન બિશ્નોઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 24માર્ચ 2023ના રોજ પતિ જવરીમલ બિશ્નોઈ સામેના આક્ષેપોની તપાસ માટે સીબીઆઈની ટીમ તેમની ઓફિસે પહોંચી હતી અને રાતભર પૂછપરછ ચાલી હતી. આ દરમિયાન તેમના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.પત્નીના જણાવ્યા મુજબ, કસ્ટડી દરમિયાન અધિકારીઓ દ્વારા ખાલી કાગળો પર સહી કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને સહી ન કરવા પર દીકરાને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ અપાઈ હતી.રાત્રે ફોન પર વાતચીત દરમિયાન જવરીમલ બિશ્નોઈ વાત કરી શકતા નહોતા અને તેમની માત્ર ચીસો તથા ગાળો બોલતા અવાજો સંભળાતા હતા.
ચોથા માળેથી ફેંકી હત્યા કર્યાની આશંકા
તા.25 માર્ચની સવારે કચેરીના ચોથા માળેથી નીચે પટકાવાથી તેમનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. પરિવારજનોએ શરૂઆતથી જ આ આત્મહત્યા નહીં પરંતુ પોલીસ કસ્ટડીમાં મેન્ટલી અને ફિઝિકલી ટોર્ચર કરી બારીમાંથી ધક્કો મારીને કરાયેલી હત્યા હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરી હતી. પરિવારના આક્ષેપ મુજબ, ઘટનાના દિવસે પીએમ પણ ઝડપથી કરી દેવાયુ હતું અને સીબીઆઈના અધિકારીઓ ગાયબ હતા. આખરે સમાજના રીતિરિવાજ મુજબ રાજસ્થાનના બિકાનેર ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી.