શહેરના માંડાડુંગર પાસે પીઠડઆઈ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય પૂજાબેન જાદવને પતિ હિતેશભાઈ, સસરા ધનજીભાઈ, સાસુ ગીતાબેન ઉર્ફે કાજલબેન, નણંદ આરતીબેન અને વૈશાલીબેન શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી 25 મે, 2025 ના ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે તે અંગે 27 સપ્ટેમ્બરના પૂજાબેનના જીયાણા ગામે રહેતા માતા 51 વર્ષીય ભાવનાબેન હરેશભાઈ કુમારખાણીયાએ દીકરીને મરવા મજબૂર કર્યાની સાસરિયા વિરુધ્ધ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અન્ય બનાવ શહેરના લક્ષ્મીવાડી ક્વાટર નં. 94 મા રહેતા 23 વર્ષીય મયુર મનોજભાઇ ચૌહાણે આરોપી તરીકે રૂષભ મેવાડા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરના રાત્રીના સમયે મોમાઇ હોટલ પાસે ચા પીવા બેઠો હતો ત્યારે રૂષભે પાણી ભરવાનુ કહ્યુ હતુ. જોકે તેની ના પાડી હતી. જે બાદ યુવાન પોતાનું વાહન લઇને પલંગ ચોક તરફ જતા હતા ત્યારે સ્કૂલ નંબર 51 પાસે પહોંચતા રૂષભ તથા તેની સાથેના 2 અજાણ્યા શખ્સોએ આવી લોખંડનો પાઇપ યુવાનને માથાના પાછળના ભાગે મારી દીધો હતો. જેથી યુવાનને ચક્કર આવી જતા તે પડી ગયો હતો. જે બાદ યુવાનને છાતી, પડખા, ડાબો હાથ, જમણો ખભો, હોઠ ઉપર તથા ડાબા કાનના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. જેથી યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરતા શખ્સોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.