રાજકોટનાં 52 વર્ષીય મીનાબેન ચોઈથરામ ખટ્ટર તા. 20 માર્ચના રોજ પોતાના ઘરે હતાં. ત્યારે રાત્રે 9 વાગ્યા આસપાસ કેરોસીન છાંટીને પોતાની જાતે આગ લગાવી દીધી હતી. જેના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે 25 દિવસની લાંબી સારવાર બાદ આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મીનાબેનના પતિ હેમગઢવી હોલ પાસે દાળ-પકવાનની રેંકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
પતિ બોલ્યા ને પત્નીને લાગી આવતાં અંતિમ પગલું ભર્યું બનાવના દિવસે ચેટીચાંદનો તહેવાર હોવાથી મીનાબેને તેમના પતિ પાસે રામનાથપરામાં આવેલા ઝૂલેલાલ મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પતિએ મીનાબેનને સાથે લઈ જવાને બદલે જણાવ્યું હતું કે, હું બાળકોને લઈને જઈશ, તારે આવવું નથી. પતિના આ જવાબથી મીનાબેનને લાગી આવ્યું હતું અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મીનાબેને બાથરૂમમાં જઈ પગલું ભર્યું હતું. મીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.