રાજકોટ શહેર માટે આ વર્ષે ઉનાળો આકરો હોવા છતાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વરદાન સાબિત થયેલી ‘સૌની’ યોજનાને કારણે શહેરના મુખ્ય જળસ્ત્રોતો એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા હાલ જળસંકટના વાદળો વિખેરાઈ ગયા છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચોમાસા સુધી ચાલે તેટલો પર્યાપ્ત જળજથ્થો હાલ ઉપલબ્ધ છે. તાજેતરમાં જ આજી-1 ડેમને નર્મદાના નીરથી 100 ટકા ભરી દીધા બાદ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. ન્યારી-1 ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ રાખવામાં આવી હતી.
જોકે 25 ફૂટે છલકાતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 23 ફૂટ સુધી પહોંચી ગઈ છે, એટલે કે આ જળાશય 80 ટકા જેટલું ભરાઈ ગયું હોવાથી ત્યાં પણ નર્મદાના નીરની આવક હાલ બંધ કરાઈ છે. વર્તમાન સ્થિતિએ આજી-1 ડેમમાં 90 ટકાથી વધુ અને ન્યારી-1માં 80 ટકા જેટલો જથ્થો છે. આ ઉપરાંત, શહેરની ત્રીજી જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં પણ ચોમાસા સુધી ચાલે તેટલું પીવાનું પાણી ઉપલબ્ધ છે. જો ભવિષ્યમાં જરૂર જણાય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માગ કરવામાં આવશે, તો તુરંત જ ‘સૌની’ યોજના હેઠળ જળાશયોમાં ફરીથી પાણી ઠાલવવાની તૈયારી રાખવામાં આવી છે. આમ, રાજકોટીયનોને હવે ઉનાળામાં પીવાના પાણી બાબતે કોઈ મુશ્કેલી રહેશે નહીં.