રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી. જી. પટેલની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી ડિસમીસ (બરતરફ) કરવામાં આવ્યા છે. 31 મે નિવૃત થનાર આ અધિકારી સામે વડોદરામાં ફરજ દરમિયાન જુગારના એક આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ હતો. આ મામલે ચાલી રહેલી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં તેઓ દોષિત જાહેર થતાં, ગૃહ વિભાગે કડક વલણ અપનાવીને 30 મેના જ તેમની બરતરફીનો ઓર્ડર જારી કરી દીધો છે.
નિવૃતિના 24 કલાક જ પહેલાં જ ACPની હકાલપટ્ટી કરાઈ રાજકોટ શહેર પોલીસના કંટ્રોલ રૂમ એસીપી તરીકે ફરજ બજાવતા વિનાયક જી. પટેલ ગઈકાલ તારીખ 31 મેના રોજ સાંજે વય મર્યાદા અંતર્ગત નિવૃત થવાના હતાં. તે નિવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા, તેના એક દિવસ પૂર્વે એટલે 30 મેના રોજ સાંજે ગૃહ વિભાગ દ્વારા ડિસમિસ કરતો હુકમ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
જુગારના કેસમાં આરોપીને મદદરૂપ થઇ ઘરે ના રહેવાની સલાહ આપી હતી એસીપી પટેલને ડિસમિસ કરવા પાછળનું કારણ એ છે કે તેઓ જયારે વડોદરામાં એચ ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારનો એક કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી સંજય ઉર્ફે ભુરો અમૃતલાલ છગાણીને ગુનામાં પકડાઈ નહિ તે માટે ઘરે ન રહેવાની સલાહ આપી હતી.
આરોપીની મદદ કરવા બદલ વહીવટ પણ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેથી આરોપીની મદદ કરવા અંગે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલતી હતી અને તપાસના અંતે રિપોર્ટ ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો. જેના આધારે એસીપી વિનાયક પટેલ 31મેના નિવૃત થાય તેના એક દિવસ પૂર્વે તેમને ડિસમિસ કરવાનો કડક નિર્ણય ગૃહ વિભાગે કર્યો છે.
ખાતાકીય તપાસ સમયે બચાવમાં શું કહ્યું હતું? ખાતાકીય તપાસ કરતા અધિકારીએ કરેલી સમીક્ષામાં સામે આવ્યું કે, 2 નવેમ્બર 2025ના રોજ ખાતાકીય તપાસમાં તેઓને દોષમુક્ત જાહેર કરવા રજૂઆત કરી હતી. પરંતુ વધારાનું બચાવનામું આખરી શિક્ષા સુચવતી વખતે ધ્યાને લેવામાં આવ્યું નથી, તેમજ ગુજરાત જાહેર સેવા આયોગના ધ્યાને પણ મૂક્યું હોય તેવું જણાતું નથી. આથી આ જ કારણસર આક્ષેપિતની સામે સૂચિત કરવામાં આવેલી શિક્ષા ટકવા પાત્ર નથી અને ખાતાકીય તપાસ આ કારણસર પણ દૂષિત થાય છે.