રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી નવરાત્રિ પછી 17 ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા શરૂ થવાની છે. ધોરણ 3થી 8ની પરીક્ષા 17 ઓક્ટોબરથી શરૂ થશે અને 25મી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની હોવાનું જાણવા મળ્યું છે. ધો.3થી 8ની પ્રથમ સત્રાંત કસોટી માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે.
પ્રાથમિક શાળાઓની સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી લેવાશે જ્યારે બીજી સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 07 એપ્રિલથી લેવા માટેનું આયોજન કરાયું છે. દરેક દિવસે ધોરણ 3થી 5 અને ધોરણ 6થી 8 માટે અલગ અલગ સમય છે. ધોરણ 3થી 5 માટે 11થી 13 સુધીનો સમય અને ધોરણ 6થી 8 માટે 14થી 17 સુધીનો સમય છે. ધોરણ 3થી 5ની તમામ કસોટી 40 ગુણ સાથે આવશે ત્યારે ધોરણ 6થી 8ની તમામ કસોટી 80 ગુણની લેવાશે.