ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનને આહવાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે ‘સ્વચ્છતા જ સેવા-2024’ પખવાડિયાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની 8 મહાપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જસદણ શહેરમાં આવેલા જિલેશ્વર પાર્ક ખાતે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન જિલેશ્વર પાર્કથી નગરપાલિકા કચેરી સુધી રાખવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યો, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને શહેરના સ્થાનિક લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ સફળાપૂર્વક પૂર્ણ થયા બાદ નગરપાલિકા કચેરી ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કચેરી ચોખ્ખીચણાક કરવામાં આવી હતી. ત્યારબાદ સૌને સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.