રાજકોટમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ખાડા અને ગટરનાં ઢાંકણા ખુલ્લા હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે નવાગામ રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું બાઈક ફસાયું હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેને લઈને મનપા તંત્રની કામગીરી સામે ફરીથી એકવાર લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા. અને ગટરના ખુલ્લા ઢાંકણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી માંગ લોકોમાં ઉઠી હતી.