જેતપુર PGVCL કૌભાંડ, પાંચ કર્મચારીઓ સસ્પેન્ડ

રાજકોટ જિલ્લાના જેતપુર PGVCL ડિવિઝનના સ્ટોરમાંથી સરકારી વીજ મટીરિયલ ખાનગી સોલાર કંપનીને વેચી દેવાના ગંભીર આરોપો બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગત 27 ફેબ્રુઆરી, 2026ના રોજ સ્ટોરમાંથી કંડક્ટર કેબલ, વીજ થાંભલા અને 11 કે.વી.ના પીન સહિતનું સરકારી મટીરિયલ ડિપાર્ટમેન્ટના કામ માટે બહાર ગયું હતું. ત્યારબાદ આ મટીરિયલ ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા.

આ મટીરિયલમાં 12.5 કિલોમીટર ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, 30 લોખંડના વીજ થાંભલા અને 11 કે.વી.ના 400 પીનનો સમાવેશ થાય છે.ઉપલી કચેરીને મળેલી ફરિયાદના આધારે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે ગેરરીતિ સામે આવતા વિભાગે પહેલા કાર્યપાલક ઈજનેર ડી.કે. જેઠવા સહિત કુલ છ કર્મચારીઓની સાગમટે બદલી કરી હતી.

ત્યારબાદ વધુ કાર્યવાહી કરતાં વડી કચેરીએ નાયબ ઈજનેર એન.પી. ગોહેલ, નાયબ ઈજનેર જે.આર. વેલેરા, જુનિયર ઈજનેર કે.પી. પાનસૂરિયા, સુપરિન્ટેન્ડન્ટ (ખર્ચ વિભાગ) કે.કે. વાગડિયા અને સ્ટોર કીપર આર.આર. વનારને સસ્પેન્ડ કર્યા છે.હાલ સમગ્ર મામલે વિભાગીય તપાસ યથાવત છે. એકસાથે મુખ્ય અધિકારીઓ સહિતના કર્મચારીઓ સામે કાર્યવાહી થતાં સમગ્ર વિભાગમાં ખળભળાટ મચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *