શાપર(વે) પોલીસે ગેરકાયદેસર માટી ખનન પર કાર્યવાહી કરી

રાજકોટ ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પોલીસે પદવલા ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખનન સામે મોટી કાર્યવાહી કરી છે. સરધારી ધાર વિસ્તારમાં અર્જુન ઇન્ડસ્ટ્રીઝ પાછળ ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન અને વહન થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ ₹39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર ખનનમાં વપરાતું એક JCB મશીન (નં. GJ-03-HE-1852) અને માટી ભરેલું એક ડમ્પર (નં. GJ-03-AZ-9861) કબજે લીધું હતું. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત ₹39 લાખ આંકવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક ખાલી ડમ્પરને મોટર વાહન અધિનિયમની કલમ 207 હેઠળ ડિટેઇન કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા વાહનો અંગે વધુ કાયદેસરની કાર્યવાહી માટે રાજકોટના ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં શાપર(વે) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. રાણા, એ.એસ.આઈ. જીતેન્દ્રસિંહ વાળા, હેડ કોન્સ્ટેબલ પ્રતીપાલસિંહ રાણા તેમજ સુનીલભાઈ તલસાણિયા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *