જસદણ શહેરમાં મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં અનેક દવાઓનું વેચાણ થઈ રહ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 42 અનુસાર, ફાર્માસિસ્ટની હાજરી વિના દવાઓનું વેચાણ ગેરકાયદેસર છે. છતાં શહેરના અનેક મેડિકલ સ્ટોર્સ આ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોટા ભાગે મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ હોતા નથી અને સામાન્ય કર્મચારીઓ કે દુકાનદારો જ ઓવર ધ ટોપ દવાઓ આપી દે છે.
તંત્રના નિયમિત ચેકિંગના અભાવે આ બધું આમને આમ ચાલતું રહેતું હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિ ખાસ કરીને શિડ્યુલ-એચ અને એચ1 દવાઓના વેચાણમાં જોવા મળી છે, જે માત્ર ફાર્માસિસ્ટની દેખરેખમાં જ વેચાવી જોઈએ. આ અંગે સ્થાનિક ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ફાર્માસિસ્ટ વિના દવાઓનું વેચાણ દર્દીઓના જીવન સાથે ચેડા સમાન છે.
ખોટી દવા કે ખોટો ડોઝ ગંભીર આડઅસરો કે મૃત્યુનું કારણ બની શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખાસ કરીને એન્ટિબાયોટિક્સ અને નિયંત્રિત દવાઓના દુરુપયોગથી એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) નું જોખમ વધી રહ્યું છે. ડિસેમ્બર 2024 માં એક અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્યના 50% મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટ વિના ચાલે છે અને આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા તેનું મુખ્ય કારણ છે. નાગરિકો અને સામાજિક કાર્યકરો હવે આ મામલે ડ્રગ્સ કંટ્રોલર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે નિયમોનું પાલન થાય, અનધિકૃત વેચાણ પર દંડ અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે.