યુપીના બિજનૌરમાં માલન નદીના તેજ પ્રવાહમાં શુક્રવારે સાંજે લગભગ 4 વાગ્યે 2 અકસ્માતોમાં ચાર છોકરાઓ તણાઈ ગયા. સહારનપુરમાં ભારે વરસાદને કારણે કબ્રસ્તાનની માટી ધોવાઈ ગઈ. કબરોમાં દફન કરાયેલા મૃતદેહો તણાઈને બહાર આવી ગયા. નોઈડામાં વરસાદના પાણીથી ભરેલી ગટરમાં પડવાથી એક વ્યક્તિનું મોત થયું.
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે રાજ્યભરમાં 118 રસ્તાઓ બંધ થઈ ગયા. હરિદ્વાર જિલ્લામાં નદીમાં ડૂબી જવાથી એક કિશોરનું મોત થયું. જ્યારે નૈનીતાલમાં ઝાડ પડવાથી બે લોકો ઘાયલ થયા.
યમુનોત્રી નેશનલ હાઈવેનો લગભગ 100 મીટરનો ભાગ તૂટી ગયો. ગંગોત્રી હાઈવે પર ઘણી જગ્યાએ ખડકો અને પથ્થરો પડવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. હરિદ્વાર-ઋષિકેશમાં રસ્તાઓ પર વાહનો ફસાઈ ગયા.
જ્યારે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે 320 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા અને 200 થી વધુ વીજળીના ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે. સોલન જિલ્લામાં રસ્તા પર ચાલતી કાર પર પહાડી પરથી મોટા પથ્થરો પડ્યા. આ અકસ્માતમાં બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા.
હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજમાં મધ્ય ભારતમાં ચોમાસું વધુ સક્રિય છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો છે. બીજી તરફ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ભાગોમાં ચોમાસાના વાદળો ગાયબ છે.