ચીન બોલ્યું- ભારત દ્વારા અરુણાચલનો નકશો જાહેર કરવો ખોટું

ચીને સોમવારે કહ્યું કે ભારત દ્વારા અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને પોતાના નકશા પર દર્શાવવું ખોટું છે. ચીને તેને ‘અમાન્ય’ ગણાવ્યું છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ચીન ભારત દ્વારા બનાવવામાં આવેલા અરુણાચલ પ્રદેશના નકશાને માન્યતા આપતું નથી.

કેન્દ્ર સરકારે શુક્રવારે અરુણાચલ પ્રદેશના 27 સ્થળો અને તેમની ભૌગોલિક વિશેષતાઓને સત્તાવાર નકશા પર નોંધ્યા હતા. આ પગલું ચીન દ્વારા રાજ્યના સ્થળોના નામ બદલવાના પ્રયાસો વચ્ચે લેવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલય અનુસાર, આ કામ અરુણાચલ પ્રદેશ સરકારની સલાહ લઈને કરવામાં આવ્યું છે. તેનો હેતુ આ સ્થળોની સાચી ઓળખ જણાવવાનો અને સામાન્ય લોકોમાં જાગૃતિ વધારવાનો છે.

આ નામોને સત્તાવાર નકશામાં સામેલ કરવાનો હેતુ વહીવટને સુધારવાનો છે. આનાથી સરકારી રેકોર્ડમાં એકરૂપતા આવશે, જુદા જુદા વિભાગો વચ્ચે વધુ સારો તાલમેલ થશે અને આપત્તિના સમયે મદદ પહોંચાડવામાં સરળતા રહેશે.

જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આ નામોના આધારે લોકોના પાસપોર્ટ કે અન્ય ખાનગી દસ્તાવેજોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારોની સત્તાવાર ઓળખ નક્કી કરવાનો અને તેમને ભારતના વહીવટી રેકોર્ડમાં સામેલ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *