રાજકોટ શહેરના છેવાડે આવેલા જામગઢ ગામે ચાર દિવસથી ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ પોતાના જ ખેતરના કૂવામાંથી મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવથી ચાર દીકરી અને એક દીકરાએ માતાની મમતા ગુમાવી છે.
કુવાડવા પંથકના જામગઢમાં રહેતી રેખાબેન કિશોરભાઈ ગોહેલ(ઉં.વ.38) ગત 16 એપ્રિલની રાત્રે અંદાજે દશેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઇ પત્તો ન મળતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.
સોમવારે સવારે આશરે 11 વાગ્યે રેખાબેનનો મૃતદેહ તેમના કૌટુંબિક જેઠ હરેશ પ્રાગજીભાઈ ગોહેલની વાડીમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એમ.જી. સોલંકી સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકના પતિ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.