રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાત વર્ષથી મર્ડર અને છ વર્ષથી ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા રીઢા આરોપીને ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર આવેલી ધારેશ્વર ચોકડી પાસેથી ઝડપી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ અમરાભાઈ છત્રસિંગ ઉર્ફે ઈકાભાઈ મીનામા તરીકે થઈ છે.
દાહોદ જિલ્લાના જેશાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે મંડળી રચીને મારક હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં નગરાભાઈ વશનાભાઈ કટારા નામના યુવક પર ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવવામાં આવી હતી, જ્યારે અન્ય બે સાહેદો વિનુભાઈ પલાસ અને પપ્પુભાઈ પલાસને ગંભીર ઈજા કરાઈ હતી. આ કેસમાં તપાસ દરમિયાન અમરાભાઈ ઉર્ફે ઈકા મીનામાનું નામ ખુલ્યું હતું અને તે છેલ્લા ૭ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો-ફરતો હતો.
આ ઉપરાંત, કોટડા સાંગાણી સ્થિત PGVCL કચેરીની પાછળના ભાગની બારીના સળિયા તોડી, દરવાજાનું તાળું અને તિજોરી તોડીને કલેક્શનના 5,46,295 રોકડા ચોરી કરી જવાનો ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ ત્રણ આરોપીની અટકાયત કરાઇ હતી
LCB PI જે.પી. રાવ અને સ્ટાફને મળેલી બાતમીના આધારે ગોંડલ-કોટડા સાંગાણી રોડ, ધારેશ્વર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લઇને કાર્યવાહી માટે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો છે. આરોપી અમરાભાઈ મીનામા અગાઉ પણ અનેક ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો રીઢો ગુનેગાર છે.
તેના વિરુદ્ધ દાહોદ ના ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો, દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના બે અલગ-અલગ ગુનાઓ અને પંચમહાલ ના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને મારામારીનો ગુનો નોંધાયેલો છે.