કેન્દ્રીય ગૃહમંત્રીએ કરેલી ટકોર બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સતત પોલીસ દ્વારા માદક પદાર્થ ડ્રગ્સ તેમજ ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે દરોડો પાડી 9.690 કિલો ગાંજાના 10 છોડ સહિત ₹ 4.94 લાખના મુદ્દામાલ સાથે ખેડૂત તેજા સાકરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ખેડૂત પોતે પણ ગાંજાનો બંધાણી હોય પોતાના સેવન અને વેચાણ અર્થે દોઢેક મહિના પૂર્વે વાવેતર કર્યાંનું સામે આવ્યું છે.
10 છોડ લીલા છોડ સહિત 4.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો
એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાળીપાટ ગામ પાસે વડાળી રોડ ઉપર ગોવિંદભાઈની વાડીમાં તેજા સાકરીયા નામના શખસે ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. જેના આધારે વાડીમાં દરોડો પાડી શેરડીના વાવેતર વચ્ચેથી ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 9.690 કિલોગ્રામ વજનના ગાંજાના 10 લીલા છોડ સહિત ₹ 4,94,620નો મુદ્દામાલ કબજે કરી માદક ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત તેજા ગોવિંદ સાકરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પોતે પણ ગાંજાનું સેવન કરતો હોવાનો ખુલાસો
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા ખેડૂત તેજા સાકરીયા પોતે પણ ગાંજાનો બંધાણી હોવાથી પોતાના સેવન અને વેચાણ અર્થે આશરે દોઢ મહિના પૂર્વે પોતાના ખેતરમાં શેરડીના પાકની સાથોસાથ ગાંજાના છોડનું વાવેતર કર્યાનું રટણ કર્યું હતું. જો કે તેણે અગાઉ ગાંજાનું વાવેતર કર્યું હતું કે કેમ તેમજ બીજા કોને કોને વેચાણ કરતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.