રાજકોટના ગોંડલ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની વિવાદિત જમીનના પ્રકરણમાં તાલુકા મામલતદારે પ્રાંત અધિકારી સિટી-2ને શરતભંગ અંગે રિપોર્ટ કર્યો છે. જેમાં વિવાદવાળી જગ્યા સર્વે નં.38/પૈ.1 પ્લોટ નં.1 થી 10ની 10099.35 ચોરસ મીટર જમીન ઔદ્યોગિક હેતુની છે અને તેમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટ, મંદિર, બગીચો, ગાર્ડન, 4 રૂમ, 1 ઓફિસ અને સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા હવે આ પ્રકરણમાં શરતભંગનો રિપોર્ટ આગામી સપ્તાહે જિલ્લા કલેક્ટરને કરાશે.
આ સવાલવાળી જગ્યામાં શરતભંગની કાર્યવાહી કરવા અને સવાલવાળી જમીનની પૂર્વ તરફ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે આવતો હોય જેથી તેના માર્જિનમાં દબાણ છે કે કેમ? તે બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીનો અભિપ્રાય મેળવવા પણ જણાવ્યું છે.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઔદ્યોગિક હેતુની જમીનમાં મનપાની મંજૂરી વગર છેલ્લા પાંચ વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટ, મંદિર સહિતનું બાંધકામ કરી લેવામાં આવ્યું છે અને ફાયર એનઓસી પણ મેળવ્યું નથી. ભવિષ્યમાં ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટના બને તો જવાબદારી કોની? તેવો સવાલ અગ્રણી સંજય લાખાણી અને ક્રિશ્નદત્ત રાવલે ઉઠાવ્યો છે.