ગોંડલમાં PGVCL તંત્રની ઘોર બેદરકારી

ગોંડલના ઘોઘાવદર રોડ પર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી રામેશ્વર મમરા નામની ફેક્ટરીમાં મમરા ભરવા માટે આવેલા એક વિશાળકાય ટ્રકે વળાંક લેતી વખતે જોરદાર ટક્કર મારતાં એક વીજપોલ પત્તાના મહેલની જેમ ધરાશાહી થઈ ગયો હતો. વીજપોલ રસ્તાની વચ્ચોવચ પડવાને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના લીધે વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.

આ ઘટના આશરે 12 વાગ્યે ઘટી હતી. અકસ્માત થતાં જ જાગૃત નાગરિકો દ્વારા ભગવતપરા PGVCL તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તંત્રને ઘટનાસ્થળે પહોંચીને માત્ર વીજપોલ હટાવવામાં પણ બપોરના 3:15 વાગ્યા સુધીનો સમય લાગી ગયો હતો. એટલે કે પૂરા 3 કલાક સુધી સ્થાનિક લોકો હેરાન થતા રહ્યા અને મુખ્ય માર્ગ બંધ રહ્યો, ત્યાર બાદ માંડ કામગીરી શરૂ કરાઈ હતી.

આ વિસ્તારમાં અવારનવાર આવા મોટા-મોટા ટ્રકો બેફામ રીતે પસાર થાય છે, જેના કારણે અગાઉ પણ નાની-મોટી ઘટનાઓ બની ચૂકી છે. આ અકસ્માત સમયે જો કોઈ રાહદારી ત્યાંથી પસાર થતું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *