રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરો અને ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજી જનજાગૃતિ ફેલાવવામાં જંગી ખર્ચ કરે છે. પરંતુ પરિણામ સ્વરૂપે જો બસ પોર્ટમાં ગંદકી અને અસુવિધા જ હોય તો મુસાફરો ક્યાં જાય! એક તરફ સ્વચ્છતા જાળવવા માટે લોકોને સતત અપીલ કરવામાં આવે છે અને સરકારી કચેરીઓ તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છ વાતાવરણ ઉભું કરવા ભાર મૂકવામાં આવે છે, પરંતુ ગોંડલ એસટી બસ સ્ટેશનની હાલત જોયા પછી આવા સર્વેક્ષણો કે સ્વચ્છતા અભિયાનની અસરકારકતા સામે સવાલ પેદા કરે છે.
એસટી નિગમ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ તંત્રની બેદરકારીને લીધે બસ સ્ટેશન પરિસરમાં કચરાના ઢગલા, ગંદા શૌચાલયો તથા યોગ્ય સફાઈના અભાવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજબરોજ હજારો મુસાફરોની અવરજવર ધરાવતા આ બસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ એસટી તંત્ર તેમજ સંબંધિત જવાબદાર અધિકારીઓને બસ સ્ટેશન ખાતે નિયમિત સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.
જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાની સરકારની પ્રતિબદ્ધતા ત્યારે જ સાબિત થશે જ્યારે એસટી બસ સ્ટેશન જેવા મહત્વના સ્થળોએ પણ સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ ઉપલબ્ધ બનશે. બસ સ્ટેશનમાં ફેલાયેલી ગંદકી, ઊભરાતા શૌચાલયોથી જનતા વાજ આવી ગઇ છે.