ખારચિયાની પરિણીતાને પતિએ જ ટૂંપો દઇને પતાવી દીધી હતી, હત્યાનો ગુનો દાખલ થયો

ઉપલેટાના ખારચીયા ગામની પરિણીતાના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. વાડીની ઓરડીમાંથી પરિણીતાનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં બનાવ આપઘાતનો હોવાનું પ્રાથમિક ચિત્ર ઉપસી આવ્યું હતું.જો કે મૃતકના ભાઇએ બહેનના શરીર પર ઇજાના નિશાન હોવાથી આ મામલો હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ મુદે ફોરેન્સિક પીએમમાં પણ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

મૂળ ધોરાજી તાલુકાના વાવડી ગામના વતની અને હાલ મોરબીના શક્ત શનાળા ગામે રહેતા અને કારખાનામાં ડ્રાયવર તરીકે નોકરી કરતા ૨૮ વર્ષીય યુવાન રાજેશભાઈ ઉર્ફે રવિ માવજીભાઈ હેડમ્બાએ આરોપી તરીકે બનેવી હિતેન્દ્ર બગડાનું નામ આપતાં પોલીસે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી મોટી બહેન ઇલાબેનના લગ્ન ૧૧ વર્ષ પહેલા ખારચીયા (શહીદ) ખાતે લાખાભાઈ બગડાના દીકરા હીતેન્દ્ર સાથે થયેલ હતા. તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જેમાં મોટો દીકરો સાહિલ (ઉ.વ. ૦૯) અને દીકરી જયેષ્ઠા (ઉ.વ.૬) છે. હું મોરબી ખાતે કારખાને હતો ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, હું તમારા બનેવી હીતેન્દ્રના કુટુંબીભાઈ પ્રવિણભાઇ બગડા બોલુ છુ, તમારી બહેન ઇલાએ ફાંસો ખાધો છે. બાદ બહેનના દિયરે પણ મને ફોન કરી આવવાનું કહ્યું હતું. જેથી હું તથા મારો ભાઈ હિતેષ બન્ને ભાયાવદર ખાતે પહોંચ્યા હતા. બહેનનો મૃતદેહ જોતા તેના ચહેરાના ભાગે ઈજાના નીશાન હતા, માથાના વાળમાં તથા કપળા ઉપર ધુળ ચોટી હતી. મને શંકા પડી હતી.

યુવાને જણાવ્યું હતું કે, ઇલા પર મારા બનેવી હીતેન્દ્રભાઈ લાખાભાઈ બગડા ચારીત્ર બાબતે અવારનવાર શંકા કરતા હતા. જેથી ઇલા કંટાળી ગઇ હતી અને મારા મામા અરજણભાઈ ચૌહાણના ઘરે જતી રહેતી હતી. પરંતુ મારી બહેનને નાના સંતાનો હોઈ ફરી સાસરે આવી જતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *