શહેરના કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે આવેલી હંસરાજનગર સોસાયટીમાં શુક્રવારે મોડી સાંજે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. પરપ્રાંતીય શ્રમિકો રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક સિલિન્ડર ફાટતા મહિલા સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના વતની અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા શ્રમિકો સાંજે કામ પરથી પરત ફર્યા બાદ ભોજન બનાવવાની તૈયારીમાં હતા. તે દરમિયાન ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી અને નજીકમાં રહેલા પાંચેય લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
આ દુર્ઘટનામાં શિવમ વિજય ચૌહાણ (ઉં.વ.24), વિશાલ પ્રકાશ ચૌહાણ (ઉં.વ.20), સત્યેન્દ્ર ચૌહાણ (ઉં.વ.17), રામ પરેશ ચૌહાણ (ઉં.વ.25) અને રીમા નિતેશ કનુજીયા (ઉં.વ.25) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ધડાકાનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ ઇજાગ્રસ્તોને ખાનગી વાહનો મારફતે હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. એકસાથે પાંચ ગંભીર બર્ન કેસ આવતા હોસ્પિટલના તબીબી સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
મહિલા સહિત પાંચ જણા ઇજાગ્રસ્ત થતા સ્થિતિ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસ મથકના પી.આઈ. એચ.એમ. પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.