IPL 2026 ટી-20 ક્રિકેટ મેચના રોમાંચ વચ્ચે સટ્ટાબાજીનો ધંધો પણ જોર પકડી રહ્યો છે. ત્યારે પોલીસ કમિશનર બ્રાન્ચ (PCB)ની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કોઠારિયા નાકા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ તા. 18 એપ્રિલની મધરાતે PCBના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે કોઠારિયા નાકા પાસે RMCના પે એન્ડ પાર્કિંગની ફૂટપાથ પર રેડ કરવામાં આવી હતી. જ્યાં ત્રણ શખ્સ મોબાઇલ ફોન મારફતે IPL મેચ SRH સામે CSK તથા અન્ય મેચોમાં રનફેર પર રૂપિયા હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.
પોલીસે નિસાર પલેજા, રાજ ભાલિયા અને કરણ ધોળકિયા નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેયના મોબાઇલ ફોનમાંથી સટ્ટાબાજી સંબંધિત કોલ હિસ્ટ્રી અને ઓનલાઇન આઈડી મળી આવી હતી. તેમજ તેમની પાસે નોંધપોથીમાં સટ્ટાના આંકડા પણ નોંધાયેલા મળી આવ્યા હતા.
પોલીસે કુલ આશરે 28 હજાર રૂપિયાના ત્રણ મોબાઇલ ફોન અને અન્ય સામાન કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઈ-સાક્ષ્ય એપ દ્વારા વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.