રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં જમીન-મકાનના બ્રોકર તરીકે કામ કરતા એક આધેડે માનસિક તણાવને કારણે ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હતું. પુત્રને રોડ પર બાઈક જોવા મળતા તપાસ કરતા પિતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. શહેરના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટી મેઈન રોડ પર આ બનાવ બન્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, માધાપર ગામમાં રહેતા મુકેશભાઈ માલદેભાઈ ઘેડિયા (ઉં.વ.62) શનિવારે રાત્રે અંદાજે સાડા આઠેક વાગ્યાના અરસામાં સેન્ટ્રલ બેન્ક નજીક ઝેરી દવા પી લેતા બેભાન થઈ ગયા હતા. મૃતકના પુત્ર રવિએ જણાવ્યું હતું કે, તે નાગેશ્વર રોડ પર જ રહે છે.
શનિવારે રાત્રે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સેન્ટ્રલ બેન્ક પાસે પિતાનું બાઈક ઊભેલું જોવા મળ્યું હતું. શંકા જતા તેણે આસપાસ તપાસ કરતા નજીકમાં જ પિતા મુકેશભાઈ બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા.